• બે દીકરા અને બે દીકરાવાળા પરિવારજનો આ કન્સેપ્ટને અપનાવતા થયા

અમદાવાદ શહેરના મણિનગર ખાતે રહેતા પરિવારે 'એક નવી શરૂઆત , એક નવા વિચાર સાથે' રક્ષાબંધનની અનોખી ઉજવણી શરૂ કરી છે. જેમાં પરિવારમાં દીકરી ન હોવાથી બે ભાઈઓ એક બીજાને રાખડી બાંધીને બંને ભાઈ એકબીજાની રક્ષા કરવાનું વચન આપે છે. છેલ્લા 3 વર્ષથી આ પરિવાર રક્ષાબંધનની આ રીતે ઉજવણી કરે છે. તેને જોઈને અન્ય લોકો પણ આ નવા વિચારન અપનાવતા થયા છે.

મણિનગરમાં રહેતા અમર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે , મારે બે જ દીકરા હોવાથી મારા બાળકને રાખડી કોણ બાંધે ? રક્ષાનું પર્વ એટલે રક્ષાબંધનમાં એક ભાઈ બીજા ભાઈની રક્ષા કરવાનું વચન આપીને તેને રાખડી કેમ ના બાંધી શકે એવા વિચાર સાથે અમે મારા દ્વિજ અને રિયાન નામના બે દીકરાઓ એક બીજાને રાખડી બાંધવાનું શરૂ કર્યું. છેલ્લા 3 વર્ષથી આ રીતે અમે રક્ષાબંધન યજવીએ છીએ. આ વિચારને મારા મિત્રો અને અન્ય કેટલાક લોકોએ જેમને બે દીકરા કે બે દીકરી હોય તેઓ પણ આ રીતે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરતા થયા છે. આ કન્સેપ્ટ સાથે પણ રક્ષાબંધન ઉજવી શક્ય છે તેને લોકો સ્વીકારી રહ્યા છે.