ડીસા તાલુકાના જૂનાડીસામાં જમાઇ અને પરિવાર સાથે સમાધાન કરવા આવેલા ધાનેરાના વેવાઇઓ વચ્ચે મામલો બિચકતાં સામસામે મારામારી થઇ હતી. આ બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી.આ અંગે આઠ વ્યકિતઓ વિરૂધ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા હુસેની ચોકમાં રહેતા આબીદભાઇ ગફારભાઇ મીરજાની દીકરી અને જમાઇ વચ્ચે ઝઘડો થયો હતો. તેથી દીકરી ધાનેરા આવીને રહેતી હતી. દરમિયાન ઝઘડાનું સમાધાન કરવા માટે પરિવારજનો ડીસા તાલુકાના શેરગંજ ગયા હતા. જ્યાં વેવાઇ ઇસ્માઇભાઇ શેરખાન પાયખ, જમાઇ સોયેબ ઇસ્માઇલભાઇ પાયખ, તેમજ જહાંગીરભાઇ ઉર્ફે કલ્લુ અકબરભાઇ પાયક અને સલીમ અકબરભાઇ પાયક ઉશ્કેરાઇ જઇ હુમલો કરી આબીદભાઇને ઇજા કરી હતી. આ અંગે આબીદભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે ઇસ્માઇલભાઇ પાયખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘરે આવેલા વેવાઇને સમજાવતા હતા. ત્યારે ધાનેરાના આબીદખાન ગફારખાન મીરજા, ફૈજાખાન આબીદખાન મીરજા, ઇરફાનખાન મકરાણી અને જાકીરહુસેન રફીકહુસેન પઠાણ ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો મારમારી ઇજા કરી હતી. પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.