દાહોદના સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ પરિસરમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં શહેરમાં હાહાકાર મચવા સાથે લોકોનો રોષ આસમાને આવ્યો છે.
દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં માત્ર છ માસ પૂર્વે જ રૂ. 117 કરોડના ખર્ચે રચાયેલ અનેકવિધ સુવિધાયુક્ત "સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ" પરિસરના ઉદ્દઘાટન પછીના આ પહેલાં જ ઉનાળાના સમયે સાવ અચાનક હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે. શહેરમાં સ્માર્ટ સિટીના નામે સૌથી અગ્રીમ પંક્તિમાં બિરાજતા શહેરની સૌથી વધુ ઉપયોગી સ્માર્ટ સુવિધા તરીકે લોકમાનસમાં અંકિત આ તળાવ પરિસરની આસપાસ અઢી કિલોમીટરનો જે વોકિંગ પથ બનાવાયો છે તેનો દાહોદવાસીઓ દ્વારા મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે સાવ અચાનક આ વિશાળ તળાવમાં રહેતી હજારો રંગબેરંગી માછલીઓ મૃત્યુ પામતાં પાણીની ઉપર તેમના મૃતદેહ તરતાં થતાં લોકોમાં જુગુપ્સા જન્મી છે.
છાબ તળાવના આ પરિસરમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી દરરોજના સેંકડો લોકો સ્વાસ્થ્ય, મનોરંજન, બાળકોને ખુશ કરવા કે ખાણીપીણી જેવા વિવિધ હેતુથી મુલાકાત લેતા હોય છે. અને ઉનાળાના સમય જ્યારે શહેરભરમાં સખત ગરમી હોય છે ત્યારે આ નયનરમ્ય પરિસરમાં વ્યાપ્ત સરસ મજાની લીલોતરી અને તળાવના પાણીના કારણે બહાર કરતાં તાપમાન પ્રમાણમાં ઓછું હોઈ લોકોને રાહતકારી લાગે છે એટલે મોટી સંખ્યામાં દાહોદવાસીઓ અત્રે ઉમટે છે. આવા સમયે છાબ તળાવમાં માછલીઓ આટલી મોટી સંખ્યામાં મૃત્યુ પામી છે તેના પ્રાથમિક તારણમાં કાળઝાળ ઉનાળાના સમય છાબ તળાવનું પાણી બાષ્પીભવન પામતા તેની સપાટીમાં લગભગ દોઢેક ફૂટનો ઘટાડો પણ નોંધાયો છે તો વળી પાણીમાં ઓક્સિજનની કમી પણ થઈ હોઈ આવું થવા પામ્યું છે. તો વિજ્ઞાનને વરેલા એક તજજ્ઞએ જણાવ્યું હતું કે કોઈપણ તળાવ- જળાશયમાં BOD (બાયોકેમીકલ ઓકસિજન ડિમાન્ડ) 80 ppd (પાર્ટ પર મિલિયન) જેટલું હોવું જોઈએ અને તેની સામે COD (કેમીકલ ઓકસિજન ડિમાન્ડ)નું પ્રમાણ 200 ppd હોવું જોઈએ. જો આ પ્રમાણ વધે તો પાણી તેની અસરના લીધે દુષિત થતાં ઝેરી બની જાય છે. દાહોદના છાબ તળાવમાં સરસ રમણીયતાની વચ્ચે હજુપણ ખાનગી રાહે અનેક ગટરો ભળતાં તેની પી.એચ. વેલ્યુ ૭ કરતાં વધી જતી હોઈ પાણી પ્રદુષિત થતાં આટલા મોટા પ્રમાણમાં માછલી અને અન્ય જળચરોના કમોત થવા પામ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ પાણીમાં કેટલાક વિસ્તારમાંથી હજુય ખાનગી રીતે ભળતી ગટરોનું દુષિત પાણી આવતું બંધ કરાય અને સાથે મશીનો દ્વારા સમયાંતરે ઓક્સિજનની ખાનાપુર્તિ થતી રહે તેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ જેથી તળાવનું પરિસર રમણીય બની રહે!
(તસવીર સૌજન્ય: વિકાસ ભૂતા તથા મિરલ શેઠ)
( લેખ -- સચિન દેસાઈ )