લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા સવારથી જ મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી.
બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી ડૉ.રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. ત્યારે આજે ડીસા વિધાનસભા વિસ્તારમાં પણ સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી. શહેરી કરતા ગ્રામીણ વિસ્તારોમાં સવારે મતદારોમાં વધારે ઉત્સાહ હોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે મતદારો ધીરે ધીરે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.
ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પણ વહેલી સવારે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું. જ્યારે પૂર્વ ધારાસભ્ય અને માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઇ દેસાઈએ પણ મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સિવાય ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં અમેરિકાથી આવેલી ડૉ. પૃથ્વી કિશોરભાઇ નાયિ નામની યુવતીએ પણ દેશના વિકાસ માટે અને હિતમાં મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ 121 બિલ્ડિંગમાં 281 મતદાન મથક (બુથ)ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ડીસામાં કુલ 70 મતદાન મથકો સંવેદનશીલ હોય આ મતદાન મથકો પર પોલીસ ઉપરાંત બીએસએફ તેમજ પેરામીલેટરી ફોર્સના જવાનો પણ ફરજ પર તૈનાત છે. બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,94,382 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,54,097 પુરુષ મતદારો 1,45,278 મહિલા મતદારો તેમજ સાત મતદારો થર્ડ જેન્ડરના નોંધાયેલા છે.