ડીસા તાલુકાના રોબસ ગામે તળાવમાં પાણી આવતા ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા છે. સરકાર દ્વારા નર્મદાના પાણીથી તળાવો ભરવાની યોજના અંતર્ગત તળાવમાં પાણી ભરવામાં સ્થાનિક ખેડૂતે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડીસા સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યામાં વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ ન પડે તે માટે નર્મદા નહેર નહેરમાં પાઇપલાઇન નાખી તળાવ ભરવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના પણ અનેક ગામના તળાવોને તેમાં આવરી લેવાયા છે. ત્યારે ડીસા તાલુકાના રોબસ ગામમાં પણ આજે પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવતા સ્થાનિક ગ્રામજનો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
રોબસ ગામમાં નર્મદા જળાશય યોજનાની નહેરમાંથી પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને હવે રોબસ ગામનુ તળાવ ભરાઈ જતા આજુબાજુમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી છુટકારો મળશે. જેથી સ્થાનિક ખેડૂતે આજે ખુશખુશાલ થઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પ્રવિણ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો.