છોટાઉદેપુર થી ધોરીસામલ પાવીજેતપુર રૂટની બસ દર રવિવારે બંધ કરાતા કદવાલ વિસ્તારના ૪૨ જેટલા ગામોના મુસાફરોને ભારે હાલાકી
નેતાઓને રજુઆત કરવા છતા પરિણામ શૂન્ય
છોટાઉદેપુર થી ધોરિસામલ વાયા કુંડલ, બાર, ડુંગરવાંટ, પાવીજેતપુર જતી એસ.ટી બસને તંત્ર દ્વારા વિદ્યાર્થી બસ ગણી દર રવિવારે બંધ કરી દેવામાં આવતા કદવાલ વિસ્તારના ૪૨ જેટલા ગામો ની જનતા ને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
છોટાઉદેપુર થી ધોરિસામલ વાયા કુંડલ, બાર, ડુંગરવાંટ, પાવીજેતપુર થઈ જતી એસ.ટી બસ જનરલ બસ હોઇ જેને તંત્ર દ્વારા વિદ્યાર્થી બસ ગણી રવિવારે આ વિસ્તારમાં દોડાવવાનું બંધ કરી દેવામાં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે.આ રૂટ પર દર રવિવારે બસ ન આવતા પાવીજેતપુર તરફ જતાં વિદ્યાર્થીઓ અને લોકોને વધારાના ભાડા ખર્ચીને ફરજિયાત છોટાઉદેપુર, પાવીજેતપુર જવું પડે છે ત્યારે આ અંગે તંત્રને અનેક વાર રજુઆતો કરવા છતાં મગરમચ્છની ચામડી ધરાવતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
અનિયમિત દોડતી એસ.ટી.બસના કારણે લોકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ધોરીસામલ, કુંડલ, આંબાખૂટ, બાર સહિતના કદવાલ વિસ્તારના ૪૨ જેટલા ગામોમાં આશરે ૪૦ થી ૫૦ હજારની વસ્તી વસવાટ કરે છે.આ વિસ્તારોના હજારો લોકો મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ તરીકે એસ.ટી.માં મુસાફરી કરે છે. ત્યારે મુસાફરોને છોટાઉદેપુર થી કુંડલ, પાવીજેતપુર તરફ જતી -આવતી એસ.ટી.બસનો લાભ મળે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોના લોકો ઉપર જાણે એસ.ટી.તંત્રની નજર જ ન પડતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.
એસ.ટી.બસ નિયમિત ન આવતા કદવાલ વિસ્તારની જનતાને ખાનગી વાહનોના સહારે મુસાફરી કરવી પડે છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે તેમજ હજારો મુસાફરો પોતાના કામ અર્થે છોટાઉદેપુર, પાવીજેતપુર તરફ આવ-જા કરે છે. આમ જો આ રૂટ પર એસ.ટી.બસ રેગ્યુલર પસાર કરવામાં આવે તો કદવાલ વિસ્તારના ૪૨ ગામોના આવતા વિદ્યાર્થીઓ-મુસાફરોને બસનો પુરો લાભ મળી શકે અને એસ.ટી.ને પણ આર્થિક ફાયદો થાય તેમ છે.
પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આંગળી ના વેઢે ગણી શકાય એટલા જ બસ રૂટ ચાલતા હોય અને તેમાં પણ રવિવારે બસ બંધ થઈ જતા, આ વિસ્તારની જનતા ને જીવના જોખમે ખાનગી વાહનમાં લટકીને મુસાફરી કરવાનો વારો આવે છે. તો તંત્ર આ અંગે ઘટતું કરે તે ખૂબ જરૂરી છે અને જો આનો યોગ્ય નિકાલ નહી કરવામાં આવે તો આંદોલનનું રણશીંગુ ફૂંકાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.