ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર રાત્રે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ જતાં રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે.
ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આજે રાત્રે ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. ડીસાના ભોયણ પાસે રહેતો જીવા તગાભાઈ વાદી નામનો 40 વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ અજાણ્યો વાહન ચાલક યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં રોડ પર પટકાતા જ યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતું. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી.
એક સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો અને મૃતકના પરિવારજનો તંત્ર સામે રોષે ભરાયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ રોકાયા હતા અને યુવકના મોતથી કલ્પાંત કરી રહેલા પરિવારજનોને સાંત્વના આપી હતી. ડીસા તાલુકા પોલીસ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.