ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના 45 ગામોના શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ શ્રમ કાર્ડ આપવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ગરીબ અને પછાત શ્રમજીવી પરિવારોએ ખુશીની લહેર પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખાતલેની સુચનાથી તાલાલા તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમારે તાલાલા પંથકના તમામ ગામોના 16 થી 59 વર્ષની વયના શ્રમજીવીઓને તાકિદે શ્રમ કાર્ડ પ્રાપ્ત થાય માટે ખાસ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત શ્રમજીવી લોકો દિવસ દરમિયાન કામે ગયા હોય તેમની આજીવિકાને અસર થાય નહીં માટે તાલુકાની ગ્રામ પંચાયતો રાત્રીના સમયે ખુલ્લી રાખી શ્રમજીવીઓને શ્રમ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરી છે. જેનો તાલાલા પંથકના 45 ગામના ગરીબ હજારો શ્રમજીવીઓને અમૂલ્ય લાભ મળી રહ્યો છે.