ડીસા-પાટણ હાઈવે પર આવેલ ધરપડા ગામ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગઇકાલે સાવીયાણા ગામના 35 વર્ષીય યુવક અર્જુન જીવણજી ઠાકોર પોતાનું બાઈક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા. ધરપડા ગામ પાસેથી પસાર થતા સામેથી પૂરપાટઝડપે આવતી કાર અને બાઈક સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પટકાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુર અને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન બાઇક ચાલક અર્જુન ઠાકોરનું મોત નિપજ્યું છે.