ડીસા શહેરમાં બનાસ નદી તરફ જતા રોડને અડીને રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી દેવાઇ હોવાથી નગરપાલિકા દ્વારા 6 દબાણદારોને આખરી નોટીસ આપી દુકાનો સીલ કરવાની હોવાથી જરૂરી સામાન હટાવી લેવા હુકમ કર્યો છે.
ડીસા નગરપાલિકા વિસ્તારમાં બનાસ નદી તરફ જતા રોડને અડીને રિલાયન્સ પેટ્રોલ પંપ અને ટીવી પેટ્રોલ પંપની વચ્ચે આવેલા રે.સર્વે નંબર 26/2 એ/પી 1માં જમીન માલિકોએ જમીન એન એ કરાવ્યા વગર પાલિકાની પરવાનગી વગર દુકાનો બનાવી પાકુ બાંધકામ કરી દીધુ છે. જે અંગે નગરપાલિકાએ અગાઉ તેઓને વારંવાર નોટિસ પાઠવી હતી. જેના જવાબમાં તેઓએ આ બાંધકામ ઢોર ઢાખરના ચારા માટે અને ખેતી પાકના ઉત્પાદનો રાખવા માટે કાચા પતરાવાળું ગોડાઉન બનાવાયું છે અને તેમાં કોઈ પ્રકારની મંજૂરી લેવાની રહેતી નથી. તેવો નગરપાલિકાને નોટિસનો વળતો જવાબ આપ્યો હતો.
જોકે, નગરપાલિકાએ આ બાબતે ખાતરી કરાવતા આ બાંધકામનો ઉપયોગ વાણિજ્ય પ્રકારે થતો હોવાથી પાલિકા દ્વારા બાંધકામ દૂર કરવા નોટિસો અપાઇ હતી. ત્યાર બાદ દબાણદારો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવા અને બાંધકામ નિયમિત કરવા અરજી કરતાં પાલિકાએ સહમતિ આપી હતી, પરંતુ દબાણદારોએ હજુ સુધી બાંધકામ નિયમિત કરવા કોઈ કાર્યવાહી ન કરી હોવાથી નગરપાલિકા દ્વારા દબાણદારોને આખરી નોટિસ આપવામાં આવી છે.
નોટિસમાં જણાવ્યું છે કે, આ મિલકત સીલ કરવાની હોવાથી 7 દિવસમાં જરૂરી સામાન હટાવી લેવો અન્યથા કોઈ ચૂક થશે તો નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં તેમ જણાવ્યું છે.