ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.