હિન્દુ અનાથ આશ્રમનો આઝાદી સાથે ખુબ જૂનો સંબંધ છે. આ સ્થળ ક્રાંતિકારીઓનું આશ્રય સ્થાન હોવાનું માનવા પણ આવે છે. ખેડા જિલ્લા સાથે બાપુ "મહાત્મા ગાંધી" નું પણ અનન્ય નાતો રહ્યો છે.

મોહનદાસ કરમચંદ ગાંધી. આ નામની આસપાસ જ ભારત દેશનો ઈતિહાસ સમાયેલો છે. મહાત્માનું બિરૂદ મેળવનાર આ અસામાન્ય આભા ધરાવતા ગાંધીજીનો નડિયાદ શહેર સાથેનો પણ ખાસ નાતો રહેલો છે. ખેડા સત્યાગ્રહના બીજ નડિયાદમાં જ રોપાયા હતા, સત્યાગ્રહના આયોજનો પણ નડિયાદની ભૂમિ પર જ કરાયા હતા. વીરો, સાહિત્યકારો અને સાક્ષરોની આ ભૂમિને મહાત્માએ વર્ષ ૧૯૧૬ માં ૧૦ દિવસ માટે ખુંદી હતી અને ત્યારથી તેઓ આ સાક્ષરનગરી- નટપુર સાથે આત્માથી જોડાયા હતા.

 વર્ષ ૧૯૧૬માં ગાંધીજીએ નટપૂરની ભૂમિ પર પગ મુક્યો ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાય લોકો ગાંધીજીને લેવા માટે બળદગાડામાં નડિયાદ રેલ્વે સ્ટેશને પહોચ્યા હતા. એ પ્રસંગની તસ્વીર આજે પણ હિન્દુ અનાથ આશ્રમમાં છે અને મુલાકાતે આવતા લોકો આ તસ્વીર જોઈ ધન્યતા અનુભવે છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે નડિયાદમાં જ ખેડા સત્યાગ્રહની આહલેક જગાવી હતી. આજે પણ એ ક્ષણને જીવંત કરતી કૃતિ એટલે "હિન્દુ અનાથ આશ્રમ". ગાંધીજી આ આશ્રમમાં ૧૦ દિવસ સુધી રોકાયા હતા અને આશ્રમની પ્રવૃત્તિથી ખુબ પ્રભાવિત થયા હતા. આજે પણ ગાંધીજીના વિચાર અને આચરણની ઝલક આ આશ્રમમાં અનુભવાય છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ગોષ્ઠી કરતી પ્રતિમા સૌનું ધ્યાન દોરે છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ તા. ૧૪/૦૮/૨૦૧૧ ના રોજ હિન્દુ અનાથ આશ્રમ નડિયાદની પ્રથમ મુલાકાત લીધી હતી. તેઓ એ સંબોધનમાં જણાવ્યું હતું કે અનાથ આશ્રમની સેવાકીય પ્રવ્રુત્તિ તથા સંચાલન પદ્ધતિ જો શીખવી હોય તો આ આશ્રમનાં સંચાલકો પાસેથી શીખવી જોઇએ " વડાપ્રધાને સંસ્થાનાં બાળકો અને સંચાલકોના કામને બિરદાવ્યું હતું.

 નિરાધાર બાળકોનો માની જેમ ઉછેર અને તેમનામાં જ્ઞાન સંસ્કારના સિંચનને કારણે વિદેશમાં પણ આશ્રમની પ્રસિધ્ધી સાથે પ્રગતીનો વિસ્તાર થયો છે. તા.૧૫/૦૩/૧૯૦૮ નાં દિવસે આશ્રમની સ્થાપનાની સાથે દુષ્કાળ અને રોગ ચાળાનો ઈતિહાસ પણ જોડાયેલો છે. કપરા સંજોગોમાં નિઃસહાય નિરાધાર બાળકો માટે આશ્રમ સેવાતીર્થ બન્યો છે. પંજાબના "પંજાબ કેસરી "એવા શ્રી લાલા લાજપતરાયે દુષ્કાળ પીડિત કુટુંબોના નાના બાળકોને બચાવી લેવા પોતાની પાસેનાં "દુષ્કાળ રાહત ફંડ" માંથી રૂપિયા ૨૫૦૦ મોકલી આપી આશ્રમની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આજે આશ્રમ ૭ એકર જમીનમાં વિસ્તાર સાથે સમાજ સેવાનું વટવૃક્ષ બન્યું છે.

 ૧૧૫ વર્ષ જુની સંસ્થામાંથી હજારો વિદ્યાર્થીઓએ આશ્રય મેળવી શિક્ષણ પગભર બની સંસારને ઉજ્જવળ બનાવ્યું છે. સન. ૧૯૧૬ની ૨૩ મી જાન્યુઆરી રવિવારનાં દિવસે મહાત્મા ગાંધીજીએ આશ્રમની મુલાકાત લઇ આશ્રમની સેવા પ્રવૃતિઓને બિરદાવી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

 આશ્રમ માત્ર અનાથ બાળકોનો નાથ ન રહેતા ઇ.સ ૧૯૧૭ માં સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર પણ બન્યું હતું. ૧૬ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ મહાત્મા ગાંધીજી અમદાવાદનાં સાથીઓ સાથે નડિયાદ આશ્રમમાં આવ્યા હતાં. બાપુએ આશ્રમને 'સત્યાગ્રહ મંદિર' થી બિરદાવ્યુ હતું. સરદાર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત હિન્દુ અનાથ આશ્રમમાં થઇ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને "ખેડા સત્યાગ્રહ" નું સંચાલન આ મુલાકાત બાદ સોંપાયું હતું. અને ખેડા સત્યગ્રહની શરૂઆત આ પવિત્ર ભુમી પરથી થઇ હતી.

 ૧૧૫ વર્ષ જુની આ સંસ્થામાં અત્યાર સુધી લગભગ ૭૦૦૦ અનાથ દિકરા દિકરીઓ આશ્રમનાં સહારે પોતાનું જીવન શરુ કરી પગભર થયા છે. આશ્રમે સમાજને વકીલ, પ્રાધ્યાપકો, ડોકટર અને સમાજ સેવક આપ્યા છે. ઘણાં અંતેવાસીઓએ પોતાનાં ઉદ્યોગ સ્થાપ્યા છે. ૫૬૨ જેટલી દિકરીઓના લગ્ન પણ આશ્રમના પ્રાંગણમાં મંડપ બનાવીને જાન તેડાવીને કરાવ્યા છે. આ બધા દિકરા દિકરીઓ પોતાના દામ્પત્ય જીવનમાં સુખી અને વ્યવસ્થિત જીવી રહ્યા છે, જે આશ્રમની એક મોટી સિધ્ધિ છે.

 હિન્દુ અનાથ આશ્રમની સ્થાપના ૧૫/૦૩/૧૯૦૮ ના રોજ થઇ હતી.આ સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાના સમયે આશ્રમમાં શતાબ્દી મહોત્સવ ઉજ્જ્વવામાં આવ્યો હતો.આશ્રમમાં રૂપિયા ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ગાંધી -સરદાર સ્મૃતિભવનમાં કોમ્પ્યુટર હોલ, સિવણ વર્ગ, રંગમંચ, ગાંધી-સરદાર સંગ્રાહાલય તૈયાર કરવામાં આવ્યું હતું.

 આશ્રમ દ્વારા બાંધવામાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ૩૨ વર્ષથી આશ્રમ સર્દી રાહત કેંદ્ર ચાલે છે. જેમાં નજીવી રૂપિયા પાંચ કેસ ફીમાં દર્દીઓને ડોક્ટરી તપાસ આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધી ૪,૯૭,૮૯૪ લાભાર્થીઓએ લાભ લીધો છે.તથા આશ્રમમાં રૂપિયા ૨૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલ કુંદનબેન દિનશા પટેલ તાલીમ કેન્દ્રમાં બ્યુટી પાર્લર અને બાળાઓને શીખવવવા માટે અદ્યતન રસોઈ ઘર છે.

 સંસ્થાની સિદ્ધિઓ અને સન્માનની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હિન્દુ અનાથ આશ્રમને ઇસ ૧૯૮૪ માં બાળકલ્યાણની શ્રેષ્ઠ પ્રવ્રુત્તિઓ બદલ એવોર્ડ અને સન્માન આપવામાં આવ્યું હતું. સન ૧૯૮૮ માં બાળલ્યાણની શ્રેષ્ઠ પ્રવ્રુત્તિઓ બદલ" સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ" રુપિયા ૨ લાખનો પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી આર. વેંકટરામનનાં વરદ હસ્તે આશ્રમનાં પ્રમુખબકુલભાઇ પી.અમીને સ્વીકાર્યો હતો. સન ૧૯૯૨માં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માના વરદ હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે એનાયત થયો હતો. તા. ૨૧/૦૯/૨૦૦૯ ના રોજ ગુજરાતનો ગૌરવવંતો “ ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. છેલ્લા ૩૩ વર્ષથી રાજ્ય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં આશ્રમની બાળાઓની ટીમ પ્રથમ ક્રમે વિજયી બને છે. જે પરંપરા અકબંધ છે. ૭મી નવેમ્બર ૧૯૯૬ થી ૩૦ જાન્યુઆરી ૧૯૯૬ સુધી આશ્રમની ૨૨ બાળાઓની ગરબા ટીમ યુ.એસ.એ. ઈન્ડીયા કલ્ચર સેન્ટર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમેરીકાના અલગઅલગ પ્રાંતોમાં ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી પ્રવ્રુતિઓ રજૂ કરી ભારતીયોને પ્રભાવિત કર્યા હતા. તા ૨૧/૦૯/૧૯૯૨નાં રોજ રાજ્ય પારિતોષિક ગુજરાતનાં રાજ્યપાલ સ્વપસિંહના હસ્તે એનાયત થયો હતો. સંસ્થામાં રહી શિક્ષણ મેળવનાર અનેક પ્રતિભાઓમાં બી.વી. કેસકર (ICS) મુખ્ય છે. તેઓએ સંગીતજ્ઞ અને IASની કારકીર્દી બાદ ભારતની પ્રથમ નહેરુ કેબીનેટ (૧૯૫૦) માં માહીતી પ્રસારણ વિભાગમાં ઉમદા સેવાઓ બજાવી હતી.અને સંસ્થાનું નામ રોશન કર્યું હતું.

 સંસ્થાના વર્તમાન પ્રમુખ દિનશા જે પટેલ સને ૧૯૭૧ થી અનાથ આશ્રમ સાથે જોડાયેલા છે. સંસ્થાને બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં તેમનો અને તેમની નિસ્વાર્થ ટીમનો ફાળો અનન્ય છે. સંસ્થાના ઉપપ્રમુખ પદ્મશ્રી ડો. હર્ષદભાઇ એમ. દેસાઇ તથા મંત્રી તરીકે વાસુદેવભાઇ દેસાઈ, રાજુભાઈ દેસાઈ, સંસ્થાના સભ્યો તરીકે છે.

મનીષભાઇ દેસાઇ, સુરેન્દ્રભાઇ દેસાઈ, પરષોત્તમભાઈ પટેલ, વિજયભાઇ સરૈયા, ઘનશ્યામભાઇ પટેલ, જયંતીભાઇ દેસાઇ, દિનેશભાઇ કોન્ટ્રાકટર, અમરિષભાઇ દેસાઇ, દિનેશભાઇ પટેલ, ડો. પારુલબેન, અજીતભાઇ દેસાઈ સભ્યો તરીકે કાર્યરત છે

 “આઝાદી કા અમ્રુત મહોત્સવ”ના ભાગરુપે આ સ્વાતંત્ર પર્વ નિમિતે આગમી ૧૩,૧૪,૧૫ ના રોજ “હર ઘર તિરંગા” કાર્યક્રમ “હિન્દુ અનાથ આશ્રમ” ખાતે પણ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.