અમદાવાદ ગ્રામ્ય સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં છેતરપિંડી આચરી છેલ્લા પાંચ વર્ષથી ભાગતા ફરતા આરોપીને ડીસામાંથી ઝડપી પાડયો છે. જિલ્લા એલસીબીની ટીમે આરોપીને પકડી ડીસા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલી હિમાલયા સોસાયટીમાં રહેતા જગદીશ નરપતસિંહ રાજપુરોહિત સામે અમદાવાદના ગ્રામ સાણંદ જીઆઇડીસી પોલીસ મથકે 2020માં ઇપીકો કલમ 407, 420 અને 114 મુજબ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા પાંચ વર્ષથી આ આરોપી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. જેને શોધવા માટે અમદાવાદ જીઆઇડીસી પોલીસે અનેક પ્રયાસો કર્યા હતા.
તે દરમિયાન બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ ચૂંટણીને અનુલક્ષી આચાર સંહિતાના અમલ માટે પેટ્રોલિંગમાં હતી તે સમયે આ આરોપી તેના ઘરે હોવાની માહિતી મળી હતી. જેથી ટીમે તરત જ તેના ઘરે પહોંચી આરોપી જગદીશ રાજપુરોહિતને ઝડપી લીધો હતો. એલસીબીની ટીમે આરોપીને ઝડપી ડીસા શહેર ઉત્તર પોલીસને સોંપ્યો છે જેથી પોલીસે આ અંગે અમદાવાદ ગ્રામ્ય સાણંદ જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે.