ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં હાલ જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન શરૂ છે. તો બીજી બાજૂ રણમાં અસહ્ય તાપમાન અને ગરમીના કારણે અવાર-નવાર ધુળની ડમરીઓ ઉડતી હોય છે. ત્યારે ખારાઘોડા રણમાં આવેલા નારણપુરા હોજ પાસે ધુળની ડમરીઓ વચ્ચે સામસામે આવતા બે ટ્રકચાલકોએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક પલટી મારી ગઈ હતી, જ્યારે બીજા ટ્રકને મોટાપાયે નુક્સાન પહોંચ્યું હતું. ટ્રકના ચાલકો પોલાભાઈ બાથાણી અને ભાવેશભાઈ બાથાણીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બન્ને ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલક પોલાભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રકચાલક ભાવેશભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ બનાવની જાણ થતાં રણમાં લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.હાલ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન ચાલી રહી છે, ત્યારે લાયસન્સ વગર અનેક ટ્રકો દોડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને ધ્યાને લઈ પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.