ડીસા-રાધનપુર હાઇવે પર ભીલડી પાસે નાળા નીચે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જેમાં બાઈક સ્લીપ ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ડીસાના છત્રાલા ગામના રહેવાસી લાખાભાઈ ઠાકોર અને દીનાજી ઠાકોર નામના બે યુવકો બાઇક લઈને ભીલડી નજીક આવેલ નાળા નીચેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક સામેથી ગાડી આવી જતાં બાઈકચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ ખાઈ જતાં અકસ્માત થયો હતો. બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
અકસ્માત થયો હોવાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાઈક સવાર યુવકોને પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.