ધાનેરા તાલુકાના ખીંમત નજીક રવિવારે વહેલી સવારે કાર રોડ નજીકના ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં થરાદ તાલુકાના લુવાણા (કળશ)ના બે સગા ભાઇઓના મોત થયા હતા. બંને જણાં સામાજીક કામે પાંથાવાડા જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

થરાદ તાલુકાના લુવાણા (કળશ) ગામના બે સગા ભાઈઓ ભાવાભાઇ લક્ષ્મણભાઇ પટેલ (ઉ.વ. 50) અને શંકરભાઇ લક્ષ્મણભાઇ પટેલ (ઉ.વ. 35) તેમની કાર નં. જીજે. 08. એ. ઇ. 0685 લઇ રવિવારે વહેલી સવારે પાંથાવાડા ગામે સામાજિક કામ માટે નીકળ્યા હતા. જેઓ પરોઢે ધાનેરા તાલુકાના ખીંમત નજીક પસાર થઇ રહ્યા હતા.

ત્યારે કાર ચલાવી રહેલા શંકરભાઇએ કાબુ ગુમાવ્યો હતો. આથી કાર રોડની સાઇડમાં નાળાના ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં બંને ભાઇઓને ગંભીર ઇજા થતાં મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને બંનેના મૃતદેહો પાંથાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમના મૃતદેહો પીએમ કરી વાલી વારસોને સોંપવામાં આવ્યા હતા. આ અંગે લુવાણા (કળશ)ના નાનજીભાઇ નાગજીભાઇ પટેલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે, ભાવાભાઇ પટેલ લવાણાા (કળશ) ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં 20 અને 25 વર્ષનો પુત્ર તેમજ ત્રણ દીકરીઓ છે. જ્યારે તેમના નાનાભાઇ શંકરભાઇના પરિવારમાં 3 અને 7 વર્ષના બે પુત્રો છે. બંને ભાઇઓના માર્ગ અકસ્માતમાં મોત થતાં સાત દિકરા- દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવી છે.