બનાસકાંઠામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોનો સીલસીલો યથાવત છે. આજે ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ઢેઢાલ ગામ પાસે રખડતા પશુઓના કારણે કાર ટ્રકની પાછળ ઘુસી જતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર અચાનક રસ્તા વચ્ચે પશુ આવી જતા કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. એક કાર ડીસાથી રાધનપુર તરફ જઈ રહી હતી અને ઢેઢાલ ગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રસ્તા વચ્ચે પશુ આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત થયો હતો.

અકસ્માતમાં કાર ચાલક સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માતગ્રસ્ત કારમાંથી બંને યુવકોને બહાર કાઢી સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.