૩૦૦ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ભુજમાં તિરંગા રેલીનો 

વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યએ પ્રારંભ કરાવ્યો

વિદ્યાર્થીઓ અને જવાનોના દેશભક્તિના નારાથી શહેરના મુખ્યમાર્ગો ગુંજી ઉઠ્યા : રેલીના માધ્યમથી શહેરવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરાયો અનુરોધ

તમામ તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ દ્વારા પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું 

ભુજ,શુક્રવાર:

 ''હર ઘર તિરંગા'' અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં બીએસએફના જવાનો , એનડીઆરએફની ટુકડી, એનસીસી કેડેટસ, એનએસએસના છાત્રો તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા.૧૩ થી ૧૫ ઓગષ્ટથી સુધી ઘર ઘર તિરંગો લહેરાવવાના માનનીય વડાપ્રધાનશ્રીના દેશવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભુજ ખાતે તિરંગા રેલી યોજાઇ હતી. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ બીએસએફના જવાનો, એનડીઆરએફની ટીમ, એનસીસી, એનએસએસના છાત્રો અને શાળા - કોલેજના વિદ્યાર્થીઓએ ૩૦૦ મીટર તિરંગા સાથેની રેલીમાં ભાગ લઇને શહેરના લોકોને હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. 

 રેલીને પ્રસ્થાન કરાવતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, તિરંગો આપણી શાન છે, આપણું અભિમાન છે. ત્યારે ''હર ઘર તિરંગા'' અભિયાનમાં દરેક નાગરિકો ઉત્સાહથી જોડાઇને તિરંગાને પુરા માન સાથે પોતાના ઘર,દુકાન, વાણિજ્ય સંકુલો, સામાજિક સંસ્થાઓ વગેરે પર તિરંગાને સ્થાન આપીને દેશભાવના પ્રગટ કરે.

  જયુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયધોષ સાથે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો અને જવાનોના દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. આ સાથે જ તમામ તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ દ્વારા પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, પૂર્વ રાજયમંત્રીશ્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, માંડવી-મુંદરા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, ઉપપ્રુમખ રેશ્માબેન ઝવેરી, આગેવાનશ્રી કેશુભાઇ પટેલ, બી.એસ.એેફના ડીઆઇજીશ્રી સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., આર્મી કર્નલ, કચ્છ યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રો.જયરાજસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.બી.એન.પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ, રજિસ્ટ્રારશ્રી બુટાણી તથા શિક્ષણ વિભાગના કર્મયોગી, શિક્ષકો તથા સર્વશ્રી પદાધિકારીઓ ,આગેવાનો અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.