ડીસામાં તાલુકા પોલીસ સ્ટેશન સામેથી જ દિન દહાડે બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે નવા બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોરની તપાસ શરૂ કરી છે.

ડીસા શહેરમાં દિન દહાડે ભરચક વિસ્તારમાંથી એક ગઠિયો બાઇકની ચોરી કરી ગયો છે. જેમાં ભોપાનગર વિસ્તારમાં રહેતા જામતારામ હરીરામજી માળીની નવા બસ સ્ટેન્ડ પાસે સુંધા સેલ્સ મોબાઈલની દુકાન આવેલી છે. જેઓ રાબેતા મુજબ પોતાની દુકાને પહોંચી દુકાનની દિવાલની બાજુમાં બાઈક પાર્ક કરી મોબાઈલની દુકાન પર વેપાર કરે છે. તે દરમિયાન તેઓએ પોતાની દુકાનની બાજુમાં બાઇક પાર્ક કરી મોબાઇલની દુકાનમાં બેઠા હતા.

તે દરમિયાન કોઈ અજાણ્યો યુવક આવી તેમના બાઇકની ઉઠાંતરી કરી રફુચક્કર થઈ ગયો હતો. મોડી સાંજે જ્યારે તેઓ ઘરે જવા નીકળ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઈક દેખાયું ન હતું. જેથી તેમને તરત જ પોલીસને જાણ કરી નવા બસ સ્ટેન્ડમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જોકે બસ સ્ટેન્ડમાં દેખરેખના અભાવે સીસીટીવી કેમેરાની ગુણવત્તા સારી ન હોવાના કારણે બાઇક ચોરી કરનાર યુવકનો સ્પષ્ટ ચહેરો જોઈ શકાયો નથી. બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે જામતારામ માળીની ફરિયાદના આધારે બાઈક ચોરની તપાસ શરૂ કરી છે.