વલ્લભ વિદ્યાનગર.

આણંદ.

તારીખ 1. 4. 2024 સોમવાર રોજ સરદાર પટેલ યુનિવર્સિટી તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે આદિ શંકરાચાર્ય હૉલમાં પીઢ અને પ્રસિદ્ધ વાર્તાકાર મણિલાલ હ. પટેલના વાર્તાસંગ્રહ "માલતીનું મન" નું અર્પણ પર્વ યોજાઈ ગયું. જેમાં આણંદ વિદ્યાનગરનો બૌદ્ધિક વર્ગ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સભ્યો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. 

આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટી ના કુલપતિ તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય અને સરસ્વતી વંદના સાથે કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. મંચસ્થ મહાનુભાવોના સ્વાગત બાદ સર્જક શ્રી મણિલાલ હ. પટેલે પોતાનો વાર્તાસંગ્રહ "માલતીનું મન" સરદાર પટેલ યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલ સાહેબ, યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. મહેન્દ્ર નાયી સાહેબ તથા વિદ્યાનગર - પેટલાદની કોલેજમાં છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવતા ડૉ. ગિરીશ ચૌધરી સાહેબને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આ ત્રણેય મહાનુભાવો એ સર્જક શ્રીને શાલ તથા મોમેન્ટમ થી પોંખ્યા હતા અને યથોચિત સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રો. ડૉ. મહેન્દ્ર નાયી સાહેબે મણિલાલ હ. પટેલની વાર્તાઓનો આસ્વાદ કરાવ્યો હતો, ડૉ ગિરીશ ચૌધરી સાહેબે તેમની વાર્તાઓની સમીક્ષા રજૂ કરી હતી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના આણંદ એકમના મહામંત્રી ડૉ રાકેશ રાવતે સર્જકની કેફિયતનું વાચિકમ કર્યું હતું, પ્રો ડૉ નિરંજન પટેલ સાહેબે પોતાની ભાવોર્મિઓ વહાવી હતી અને અંતે સર્જકે પોતાની વાર્તા ઓની માંડીને વાત કરતા કહ્યું હતું, " સર્જક એનકોડીંગ કરે છે, ભાવક તથા સંશોધકોએ તેના સંકેત તથા કોડને ડિકોડ કરવાના હોય છે " એમ કહી તેઓએ વાર્તામાં પ્રયોજાયેલા સંકેતોને ડિકોડ કરી ભાવકોને અભિભૂત કર્યાં હતા. કાર્યક્રમના અંતે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ભાઈલાલભાઈ પટેલે આભારવિધિ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. નયન પટેલે કર્યું હતું.

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા. ખેડા. ગુજરાત.