દહેરાદૂનથી મસૂરી સુધી આવતા કેટલાક પ્રવાસીઓ આ ગામની કુતૂહલવશ અવશ્ય મુલાકાત લે છે. સેજી-ભટોલી ગામમાં કેબ કે ટેકસી દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. 400 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વડિલો અને વૃધ્ધો વધારે રહે છે. ગામના લોકો પરંપરાગત રીતે મકાઇની ખેતી કરે છે. ગામની બાંધણી પ્રાચીન સમયની મોટા ભાગે દેવદાર વૃક્ષના લાકડાથી બનેલા મજબૂત ઘરો છે
ઉત્તરાખંડમાં મસુરીથી 10 કિમી દૂર સેજી-ભટોલી નામનું ગામ આવેલું છે. આ ગામના લોકો વર્ષોથી પોતાના ઘરોને મકાઇના ડોડાથી શણગારે છે. ગામમાં પ્રવેશો એટલે દરેક ઘરના પ્રવેશદ્વારની બહાર અને અંદર મકાઇના અસંખ્ય ડોડા લટકતા જોવા મળે છે. આ ગામ મસૂરીના કેમ્પટી ફોલથી યમનોત્રી તરફના રસ્તે માત્ર 5 કિમી જ દૂર છે. ગામની આસપાસના પહાડી વિસ્તારોનો નજારો ખૂબસૂરત છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મકાઇના ડોડા ભલે આકર્ષણ ઉભું કરતા હોય પરંતુ તે માત્ર શણગાર માટે લટકાવવામાં આવતા નથી. મકાઇનો પાક લેવાઇ જાય એ પછી જે ડોડામાં મકાઇના બીજ સારા હોય તેને અલગ તારવવામાં જરુરી છે. આ મજબૂત અને ખડતલ ડોડામાંથી મકાઇના બીજ તૈયાર કરવામાં આવે છે. સારી રીતે તૈયાર કરવામાં આવેલા મકાઇના બીજની વાવણી કરવામાં આવે ત્યારે મકાઇનો પાક સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે.
જો બિયારણ માટેના મકાઇના ડોડા જમીન પર રાખવામાં આવે તો તેમાં ધૂળ કે મેલ ચડે એટલું જ નહી તે જગ્યા પણ રોકે છે. કોઇ ખાસ સ્થળે મકાઉના ડોડા પાથર્યા હોયતો તેની રખેવાળી પણ કરવી પડે છે આથી ઘરના બારણા,મકાનની અંદરની છત અને બારીઓએ લટકાવવામાં આવે છે.આ દેશી પધ્ધતિથી બિયારણ તૈયાર કરવાની રીત છે. મકાનના છાપરાના ઉપરના ભાગે પણ લોકો મકાઉના ડોડા પાથરે છે.