ડીસા તાલુકા પોલીસે હાઇવે રોબરીના કેસમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બે આરોપીઓને અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ હાઇવે રોબરી લૂંટના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના કરતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઇ એ.વી.દેસાઈની રાહબરી હેઠળ પોલીસની ટીમ સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી માનવસ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ થકી તપાસ કરતા હાઇવે રોબરી કેસના બે આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.જેમાં ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાનેરાથી ડીસા તરફ બે શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.
પોલીસે આખોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતાં ઝેરડા ગામના ભેરુસિંહ ભૂરસિંગ વાઘેલા અને રાજસ્થાનના ગીડા તાલુકાના રહેવાસી કૃપાલસિંગ મુળસિંહ રાઠોડની અટકાયત કરી હતી. જેમની કડક પૂછપરછ કરતા તેમને અગાઉ હાઇવે પરથી લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી 17 હજાર રૂપિયા રોકડ કબ્જે લીધા હતા.
બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓ અગાઉ ડીસા તાલુકામાં અલગ-અલગ ચોરી અને લૂંટના ત્રણ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. જેથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ ગુનાઓના ભેદ ઉકેલ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.