ડીસાના રાજપુર વિસ્તારમાં દીન દહાડે રીક્ષાચાલક પર અગાઉની અદાવત રાખી 7 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ડીસામાં રહેતા જફરભાઈ મહંમદભાઈ કુરેશી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ આજે બાળકોને શાળાઓમાં મૂકી રીક્ષા લઈને પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઈક પર આવેલા 7 શખ્સોએ તેમની રીક્ષાને આંતરીને ઉભી રખાવી હતી. તરત જ છરી જેવા તિક્ષણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલામાં ઝફરભાઈ કુરેશીને હાથ, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાન તરતજ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે સિવિલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.
હુમલો કરનાર શખ્સોના નામ
(1) અબ્દુલ કાદીર મુજફર સોલંકી
(2) તારીક મુજફર સોલંકી
(3) વારીસ મુજફર સોલંકી
(4) વાસીફ મુજફર સોલંકી
(5) સાનું હમીદ કુરેશી
(6) મુજફર આલમ સોલંકી
(7) મુમતાઝ ગુલામ રસૂલ
(તમામ રહે. બડાપુરા, ડીસા)