રાજસ્થાનમાં સૌથી પ્રિય તહેવાર હોળી ધુળેટી શરૂ થઇ રહ્યા છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાંથી મજૂર વર્ગ રાજસ્થાન તરફ પ્રયાણ કરે છે. જેથી ડીસા માર્કેટયાર્ડમાં 8 દિવસ માટે મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આઠ દિવસ બાદ ફરીથી માર્કેટ યાર્ડ ધમધમતાં થશે.

હોળી અને ધૂળેટીનો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનમાંથી મોટાભાગના લોકો ધંધાર્થે બનાસકાંઠામાં આવતા હોય છે, પરંતુ હોળી પર્વ પર તેઓ તમામ કામકાજ બંધ કરીશ પોતાના વતન હોળી પર્વની ઉજવણી કરવા જતા હોય છે.

ડીસામાં વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ડીસા ગંજ બજાર 8 દિવસ સુધી બંધ રહે છે અને આઠ દિવસની રજા બાદ ડીસાનું બજાર ફરી ધમધમતું હોય છે. આ વર્ષે પણ હોળીના પર્વ પર ડીસા માર્કેટયાર્ડ દ્વારા તા. 23/03/2024 તા. 01/04/2024 સુધી હોળી, ધુળેટી તહેવાર તેમજ માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટયાડનું કામકાજ બંધ કરવાનો નિર્ણય કરી મીની વેકેશન જાહેર કરાયું છે. તા.02/04/2024 ના રોજ ડીસા માર્કેટયાર્ડ ફરીથી રાબેતા મુજબ ધમધમતું થશે.