ડીસા તાલુકામાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર બે રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલ બંને શખ્સોએ અલગ-અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓની ઘટના સામે આવી હતી. જેમાં ટેટોડા ગામે બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીના સામાનની ચોરી થઈ હતી. ત્યારબાદ વિઠોદર ગામે પણ કટલરીની દુકાનની છતનું પતરૂ તોડી અંદર પડેલ રોકડ રકમ સહિત માલસામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા જ ડીસા તાલુકા પોલીસ સતર્ક બની રહી હતી અને આ મામલે તપાસ કરતા ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે.
જેમાં સુઈગામના જલોયા ગામના રાજેશ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર અને સરાલ ગામે રહેતા લેબાભાઈ કુરશીભાઈ પરમારની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેથી ડીસા તાલુકા પોલીસે બંને શખ્સોને ઝડપી લઇ મુદ્દામાલ રિકવર કરવાની સાથે સાથે અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.