ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બનાવેલ દુકાનો સીલ કરાઇ છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનોના કોઈ જ આધાર પુરાવા રજૂ ન કરતા આજે નગર પાલિકાએ તમામ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

     ડીસામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે. ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ ખેતરમાં ખેતીની જમીનમાં 10 જેટલી દુકાનો બનાવી હતી. ખેતીની જમીન પર એનએ કરાવ્યા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી. જે મામલે જાગૃત નાગરિકે વાંધા અરજી કરતા નગર પાલિકાએ આ મામલે ખેતર માલીકને નોટીસ આપી હતી અને તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા.પરંતુ ગેરકાયદેસર બાંધકામ હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ ફરી નગર પાલિકાએ સાત દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી. જે બાદ આજે નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ 10 દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે નગરપાલિકાના મનહરસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે જે દુકાનો સીલ કરવામાં આવી છે તેને દસ દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે જે બાંધકામ કર્યું છે તે ગેરકાયદેસર કર્યું છે, પરવાનગી વગર કર્યું છે એટલે આજે અમે અહીંયા આવી તમામ દુકાનો સીલ કરી છે.