લાખણી તાલુકાના લાલપુર ગામની સગીરા ને તમાકુ વાઢવા જવાનું છે તેવું કહી શખ્સ બાઇક પર બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈને દિયોદર એડિશનલ સેશન કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી 7000 રૂપિયા દંડ કર્યો હતો.જેને લઈ આરોપી ભાગી પડ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, લાખણી તાલુકાના લાલપુર ગામના અનુપભાઇ રમેશભાઈ ઠાકોર તારીખ 16 માર્ચ-2021 ના રોજ તેમના કૌટુંબિક સગીર બેનને ફોન કરી તમાકુ વાઢવા જવાનું છે તેવું કહી બાઇક પર બેસાડી લલચાવી ફોસલાવી દિયોદર તાલુકાના ચમનપુરા ગામે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે સગીરાએ તા. 7 એપ્રિલ-2021 ના રોજ થરાદ પોલીસ મથકે અનુપભાઈ રમેશભાઈ ઠાકોર સામે ગુનો નોંધાવતા પોલીસે પોક્સોની કલમ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. જે કેસની થરાદ સીપીઆઇ જે.બી.ચૌધરી દ્વારા તપાસ કરી ચાર્જશીટ કરતા આ અંગેનો કેસ શનિવારે દિયોદર એડિશનલ સેશન જજ આર.આર.દવેની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા તેમજ સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી ફરજ પરના ન્યાયાધીશ આર.આર.દવે દ્વારા આ ગુનાના આરોપી અનુપભાઈ રમેશભાઈ ઠાકોરને 20 વર્ષની સજા અને 7000 રૂપિયા દંડ ફટકારતા દિયોદર કોર્ટ સંકુલમાં સોંપો પડી ગયો હતો.