બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના બુટલેગરો પર તવાઈ વરસાવી છે. ડીસા પાસેથી દારૂ ભરેલી ગાડી સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. સામાન્ય દિવસોમાં પણ અહીં દારૂની હેરાફેરી થતી જ રહે છે. ત્યારે હવે ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય અને બુટલેગરો પણ કાબુમાં રહે તે માટે પોલીસ સક્રિય બની ગઈ છે. તેવામાં ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે દારૂ ભરીને એક ગાડી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી. જેથી શેરપુરા પાસે ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક ગાડીને થોભાવી તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1599 બોટલ અને ગાડી સહિત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કાર ચાલક વિકાસકુમાર ઉર્ફે બુધારામ જલારામ બિસ્નોઈની અટકાયત કરી છે. આ સિવાય રાકેશ ઉર્ફે શંકર રતનરામ બિસ્નોઈ, ગણપત ગોદરા બિસ્નોઇ, દારૂ મંગાવનાર અને ગુજરાતમાં દારૂ સપ્લાયની લાઈન ચલાવનાર આશિષ ઉર્ફે આસુ અગ્રવાલ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.