બજાણા ગામે સંતાનોને લેવા આવેલા શખ્સે સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી કરી છરી વડે સસરા તેમજ સાળા પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવતીના પિતા અને ભાઇને ઇજા પહોંચી હતી જ્યારે આ મામલે યુવતીએ પતિ, દિયર અને પતિના મિત્ર સહીત ૩ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ બજાણામાં રહેતા રૂબીનાબેન જુમાભાઇ ત્રાયાના લગ્ન મોરબીમાં રહેતા જુમાભાઇ અનવરભાઇ ત્રાય સાથે થયાં હતાં. પરંતુ પતિ પત્નિ વચ્ચે બોલચાલી થતાં રૂબીનાબેન સંતાનોને લઇને બજાણા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતાં. અને તેમના પિતાએ રૂબીનાબેનના પતિને સંતાનોને લઇ જવા કહેતા રૂબીનાબેનના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા બજાણા ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી રૂબીનાબેનના પિતા તેમજ ભાઇ મોહમદફૈઝન પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી આથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં જ્યાંથી મોહમદફૈઝનને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રૂબીનાબેને બજાણા પોલીસ મથકે તેમના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, દિયર તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.