સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના નરશીભાઇ ભાવુભાઇ વેગડે વઢવાણ ખોલડીયાદના દશરથભાઇ પ્રદ્યુમનભાઇ પટેલ વચ્ચે મિત્રતાના સબંધો હોઇ પૈસાની જરૂર પડતા નરશીભાઇએ દશરથભાઇ પાસેથી ઉછીના રૂ.55 હજાર લીધા હતા. રકમ ચૂકવવા માટે નરશીભાઇએ 55 હજારનો ચેક લખી આપ્યો હતો. આથી દશરથભાઇએ તા.13-6-2018ના રોજ બેંકમાં ભરતા ફન્ડ ઇન્સફિસ્યન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી દશરથભાઇએ વકીલ કશ્યપભાઇ વી. શુકલ મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ ઇશ્વરલાલ તારાણીએ આરોપી નરશીભાઇ વેગડને ગુનામાં તક્સીરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ વળતર રૂપે રૂ.55000 ચૂકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.