લાખણી પાસેથી ગુરુવારે ઝડપાયેલ બનાસ ડેરીના નકલી ઘી મામલે તપાસનો રેલો ડીસા તાલુકાના માલગઢ ગામે આવ્યો હતો અને ત્યાંથી પણ બનાસ ડેરીના ખાલી ડબ્બા સહિત ઘી પણ મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે બનાસ ડેરીના અધિકારીઓએ ઘી બનાવનાર અને ઘીનો જથ્થો આપનાર સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લાખણી પાસેથી ગુરુવારે ઝડપાયેલ બનાસ ડેરીના નકલી ઘી સહિત ડીસાના માલગઢ ગામમાંથી ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ હતી. જેમાં ડીસાના માલગઢના શખ્સો ભંગારમાંથી બનાસ ડેરીના ખાલી ડબ્બા લાવી તેમાં નકલી ઘી પેકિંગ કરી વેચતા હતા. જેથી બનાસ ડેરીના અધિકારીઓએ દેવાજી માનાજી સાંખલા (માળી), ભરતજી માનાજી સાંખલા માળી (બંન રહે.જોધપુરીયા ઢાણી, માલગઢ,તા.ડીસા) જ્યારે ઘીનો જથ્થો આપનાર રોનક માળી સામે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં દેવાજી એન ભરતજી ઝડપાઇ ગયા છે જ્યારે રોનક માળી ફરાર છે.

લાખણી પાસેથી સ્વિફ્ટ ગાડીમાંથી બનાસ ડેરીના માર્કાવાળા 5 લીટરના બે ડબ્બા અને 15 કિલોના ત્રણ ડબ્બા ઘીના મળી આવ્યા હતા. જ્યારે માલગઢથી 15 કિલો ઘીના 11 ખાલી ડબ્બા 5 કિલોના બનાસ ડેરીના માર્કાવાળા પાંચ ખાલી ડબ્બા 15 કિલોના માર્કા વગરના ડબ્બામાં ઘીનો જથ્થો તેમજ પાંચ લીટર અને 10 લીટરના કેરબામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાંથી ઝડપાયેલ નકલી ઘી બનાવવાની મીની ફેક્ટરીમાં શખ્સો પામોલીન તેલ, ડાલડા ઘી અને ઘીની ખુશ્બુ આવે તે પ્રકારના એસન્સનો ઉપયોગ કરી નકલી ઘી તૈયાર કરી તેનું જાણીતી ઘી બનાવતી કંપનીના ડબ્બામાં પેકિંગ કરી બજારમાં વેચાણ કરતા હતા

નકલી ઘી બનાવતા તત્વો ઘી બનાવતી જાણીતી કંપનીઓના ખાલી ડબ્બા ભંગારીઓ પાસેથી ઊંચા ભાવો આપીને તેની ખરીદી કરતા હતા. બાદમાં ખાલી ડબ્બા ઉપર પોલીસ કરી તેમાં નકલી ઘી પેકિંગ કરી અને ઉપર જાણીતી કંપનીના લેબલ લગાવી નકલી ઘીને બજારમાં જાણીતી કંપનીના નામે વેચાણ કરતા હતા.