ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે ગેરરીતિનો એક કિસ્સો ધોરણ 12 આર્ટસના ભૂગોળના પ્રશ્નપત્રમાં ધાનેરાની સૂર્યોદય સાયન્સ સ્કૂલમાં કેસ નોંધાયો હતો. જ્યાં ભાઇના બદલે પરીક્ષા આપવા આવેલો તેનો કૌટુમ્બિક ભાઇ ઝડપાઇ ગયો હતો. તેની સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બીજા દિવસે 79 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા.

આ અંગે જીલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં બીજા દિવસે ગેરરીતિનો એક કિસ્સો ધોરણ 12 આર્ટસના ભુગોળના પ્રશ્નપત્રમાં ધાનેરાની સૂર્યોદય સાયન્સ સ્કૂલમાં નોંધાયો હતો. પરીક્ષા આપનારા વિદ્યાર્થી તરીકે ચૌધરી અનીલભાઇ રમેશભાઇનું નામ હતુ. તે દરમિયાન ઓબ્ઝર્વેશન કરી રહેલા નિરીક્ષકે રીસીપ્ટ નં. પી. 614291 અને આઇડેન્ટી કાર્ડ જોતા શંકા ગઈ હતી. જેથી શંકા જતા તપાસ દરમિયાન ડમી વિદ્યાર્થી તેનો કૌટુંમ્બિક ભાઇ ચૌધરી પ્રદિપ ઇશ્વરભાઇ હોવાનું માલુમ પડતા નિરીક્ષકે આ બાબતે સંચાલકને ધ્યાન દોરી સૂચના મુજબ ગેરરીતી બદલ કોપી કેસ નોંધવામાં આવ્યો હતો.

ધોરણ 12 આર્ટસ માં ભૂગોળ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 18,381 વિદ્યાર્થીઓમાંથી 18117 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 264 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 94 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ધોરણ 12 કોમર્સ ના સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં જિલ્લામાં 3050 પરીક્ષાર્થીમાથી 3035 પરીક્ષાર્થીઓ હાજર અને 15 ગેરહાજર નોંધાયો હતો. જ્યારે 4 દિવ્યાંગ વિદ્યાર્થી હોય પરીક્ષા આપી હતી. કોમર્સના પ્રશ્નપત્ર દરમિયાન એક પણ કોપી કેસ નોંધાયો નહોતો.