ડીસામાં બાળકોને ઇમરજન્સીના સમયમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં આગ લાગવાના સમયે કઈ રીતે તેના પર કાબૂ મેળવવો તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.

ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે અને ઘણી વખત આગ લાગતા લોકોને ઈજા પહોંચતી હોય છે અને જાનમાલને પણ મોટું નુકશાન થતું હોય છે. ત્યારે આકસ્મિક રીતે બનતી આવી ઘટનાઓમાં તાત્કાલીક ધોરણે શું કરવું જોઈએ તે માટે ડીસાની જમનાબેન પ્રાથમિક શાળાના બાળકોને ફાયર ફાઈટરની ટીમે માર્ગદર્શન આપ્યું હતું.

આ અંગે ફાયરમેન ધનાજી સોમાજી પરમાર અને ભરતભાઇ કે. પરમારે બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ઘરમાં સામાન્ય રીતે ગેસ લીકેજથી અથવા શોર્ટ-સર્કીટના કારણે આગ લાગતી હોય છે.

 ત્યારે આવા સમયે જો ગેસ લીકેજથી આગ લાગી હોય તો તાત્કાલિક ઘરની બહાર આવેલ અથવા સોસાયટીની બહાર આવેલા વાલ્વ તાત્કાલિક બંધ કરી દઇ હેલ્પ લાઈન નંબર પર ફોન કરી મદદ મેળવવી જોઈએ. આ સિવાય જો શોર્ટ-સર્કીટના કારણે આગ લાગી હોય તો તમામ લોકોએ એક પછી એક બહાર નીકળી જઈ સ્થાનિક પોલીસ કે નગરપાલિકાનો સંપર્ક કરી મદદ મેળવવી જોઇએ.