ડીસા તાલુકાના રસાણા મોટા ગામે રાત્રી દરમિયાન ગેરકાયદેસર રેતી તસ્કરી થતી હોવાની ફરિયાદને પગલે તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે તળાવમાં થતુ ખોદકામ અટકાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા તાલુકામાં ગેરકાયદેસર ખોદકામ અને રેતી તસ્કરી થતી હોવાની અનેકવાર ફરિયાદો થઈ છે. તે દરમિયાન ગત મોડી રાત્રે પણ રસાણા મોટા ગામે મેરુ તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રેતીની બારોબાર તસ્કરી થતી હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદને તાલુકા વિકાસ અધિકારીએ તરત જ ગામના સરપંચને ટેલીફોનિક જાણ કરી કામ બંધ કરાવવા માટે હુકમ કર્યો હતો. જેથી મેરુ તળાવમાં થતુ ખોદકામ તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવ્યું હતું.
રસાણા મોટા ગામે મેરુ તળાવમાંથી હિટાચી મશીન દ્વારા રાત્રી દરમિયાન ખોદકામ કરી માટી બારોબાર કોમર્શિયલ ઉપયોગમાં પુરાણ માટે લઈ જતા હોવાથી ફરિયાદ થઈ હતી. જેથી તંત્રએ તાત્કાલિક ધોરણે કામ અટકાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગામના જાગૃત લોકોની ફરિયાદને પગલે અત્યારે તો કામ અટકાવી દેવામાં આવ્યું છે, પરંતુ ગામના સરપંચ અને તલાટી જાગૃતતા દાખવી ગામના તળાવમાં ગેરકાયદેસર ખોદકામ બાબતે જાગૃતતા દાખવે અને આવા તત્વો સામે કાર્યવાહી કરાવે તેવી લોકોની માંગ છે.