સરકારી શાળાઓમાં ફરજ બજાવતા પ્રશાંતભાઈ ભટ્ટ, પ્રતાપભાઈ ચોવટિયા, મોડજીભાઈ રાજપૂત, સુજયભાઈ પટેલે કોરોના સમયે છાત્રોને યોગ્ય માર્ગદર્શન આપવા એક વેબસાઈટ બનાવી હતી. અમુક મર્યાદા દેખાતાં તેઓએ ગુજરાતના તમામ શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ એપ્લિકેશન બનાવી અને પ્લે સ્ટોરમાં લોન્ચ કરી છે. ગુજરાતનું એક માત્ર એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં શિક્ષકો કોઈ પણ શૈક્ષણિક પ્રશ્ન કે મુંઝવણ જણાવી શકે છે.બીજા શિક્ષકો ત્યાં યોગ્ય જવાબ આપી શકે છે. ઉપરાંત કોઈ પણ વ્યક્તિ પોતે બનાવેલું સાહિત્ય ત્યાં આપી શકે છે અને જે સાહિત્ય જોઈતું હોય તે માગી શકે, એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા અનેક શિક્ષકોને પસંદ આવી છે. સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ, બાલમેળો, નિપુણ ભારત સહિત અનેક પ્રોગ્રામ ચાલુ છે જેના માટે જરૂરી સાહિત્યિક માર્ગદર્શન આ એપ્લિકેશન દ્વારા મળી રહે છે. શિક્ષક, વિદ્યાર્થી કે વાલીઓને આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. અને લાઈફટાઈમ ફ્રીમાં વાપરી શકે છે.એપ્લિકેશનની વિશેષતા છે કે વાલી, શિક્ષકો, છાત્રો માટે ઉપયોગ ફ્રી છે. તમામ પ્રકારનું શૈક્ષણિક મટિરિયલ વિભાગવાર છે, જે સરળતાથી લોકો ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન 3 વિભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ટીચર વિભાગમાં શિક્ષકોએ રોજ કરવાની થતી તમામ પ્રકારની ઓનલાઈન હાજરી આ વિભાગમાં જઈ સરળતાથી ઝડપી કરી શકે છે, જેથી શિક્ષકોનો સમય બચી શકે છે.બીજો વિભાગ વિદ્યાર્થી અને શિક્ષકો માટે છે. ધો. 1થી 8ના તમામ વિષયના પાઠદીઠ પાઠ્યપુસ્તકો, પાઠદીઠ અધ્યન નિષ્પત્તિ, શિક્ષક આવૃત્તિઓ, પાઠદીઠ યુનિટ ટેસ્ટ નમૂના માટે, ઓનલાઈન ક્વિઝ, 3 ગીત તેમજ આ સિવાયનું પણ ઘણું બધું જે ધોરણવાર, વિષયવાર અને પાઠવાર છે, જે સરળતાથી લોકો ઉપયોગ કરી શકે છે.​​​​​​​નાનાં બાળકો માટે બાલસગર વિભાગ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્રીજો વિભાગ શિક્ષકો અને શાળા માટે શૈક્ષણિક મટિરિયલ મૂકવામાં આવ્યું છે. જેમ જરૂર પડે શિક્ષણમાં કોઈ નવો પ્રોગ્રામ આવે એટલે તેને લગતું મટિરિયલ ફાઈલ વગેરે અપડેટ થઈ શકે છે.