સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો ઉપર ગેરકાયદે દબાણ સાથે જમીનો પચાવવી પાડવાના કિસ્સાઓ ચિંતાજનક વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદના વેપારી મનુભાઈ મંગળદાસ શાહે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે, અમારી વઢવાણ દૂધની ડેરી સામે સંયુકત માલિકીની જમીન આવેલી છે. આ જમીનમાં 2017 થી ગેરકાયદે રીતે ઇંટોના ચણતર અને છત ઉપર પતરા નાંખવાની સાથે પાંચ જેટલી ઓરડીઓ અને એક મંદિર વઢવાણ ભારત ગેસ સામે દૂધની ડેરી પાસે રહેતા જગદીશભાઈ બચુભાઈ કાવેઠીયા, મહેશભાઈ બચુભાઈ કાવેઠીયા, અરવિંદભાઈ બચુભાઈ કાવેઠીયા અને બચુભાઈ પોપટભાઈ કાવેઠીયાએ બનાવી નાંખી છે. આ બાબતે 14-5-2023થી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીમાં પણ દબાણકર્તા વિરૂદ્ધ અરજી કરી હતી અને 21-2-2024ના રોજ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થયો હતો.આથી બી-ડિવીઝન પોલીસ મથકે મનુભાઈ મંગળદાસ શાહે તા. 7-3-2024ના દિવસે જગદીશભાઈ બચુભાઈ કાવેઠીયા, મહેશભાઈ બચુભાઈ કાવેઠીયા, અરવિંદભાઈ બચુભાઈ કાવેઠીયા અને બચુભાઈ પોપટભાઈ કાવેઠીયા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી ચલાવી રહ્યા છે.