રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ મેઘમહેર જોવા મળશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ આવ્યો હતો.

આ સાથે આજે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક હોવાથી આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે.

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ
  • અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે

આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે. વિગતો મુજબ નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈ હવે આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે.

અત્રે નોંધનીય છે કે, સાબરમતીમાંથી ફતેવાડી કેનાલમાં 1 હજાર 60 ક્યુસેક પાણી છોડાયું હતું. સાબરમતીમાં નર્મદાના નીર આવતા વાસણા બેરેજ ઓવરફ્લો થવાની તૈયારી છે. હાલ વાસણા બેરેજની સપાટી 134.50 મીટરે પહોંચી છે. જેને લઈ નીચાણવાળા વિસ્તાર પીરાણા, પાલડી, નવાગામ, સરોડા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હાલ ફતેવાડી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે.