ડીસા તાલુકાના ઝાબડીયા ગામના નિવૃત્ત શિક્ષકે બેંકમાંથી રૂ. 3 લાખ ઉપાડી થેલીમાં મૂક્યા હતા અને બેંક બહાર બાઇકના હુકમાં રૂપિયા ભરેલી થેલી લટકાવી હતી. જે થેલી અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. થેલીમાં રોકડ ઉપરાંત બે એ.ટી.એમ. કાર્ડ, ખેતીવાડી હીસાબના કાગળોની ફાઇલ સહીતના ડોક્યુમેન્ટ પણ હતા.
ડીસા તાલુકાના ઝાબડીયા ગામના નિવૃત્ત શિક્ષક ઇશ્વરભાઇ અજાભાઇ પરમાર બુધવારે ડીસાની એસ.બી.આઇ. બેંકમાંથી રૂ. 3 લાખ ઉપાડી થેલીમાં મૂકી થેલી બાઇકના હુકમાં રાખી હતી.ત્યારે બાઇક નીકળતાં જ અજાણ્યા ચોર શખ્સ હુકમાંથી નીકાળી લઇને ફરાર થઇ ગયો હતો.
થેલીમાં રોકડ ઉપરાંત બેંક ઓફ બરોડાના બે એ.ટી.એમ. કાર્ડ, ખેતીવાડી હીસાબના કાગળોની ફાઇલ, ટ્રેક્ટર અને બોરીંગના હીસાબની ફાઇલ, પોતાની એસ.બી.આઇ. બેંકની ચેકબુક અને ભાવુસિંહ રામાજી સોલકીની આઇ.ડી.બી.આઇ. બેંકની ચેકબુક પણ હતી. આજુબાજુ તપાસ કરવા છતાં પણ થેલી મળી આવી ન હતી.
આ અંગે ઇશ્વરભાઇ અજાભાઇ પરમારે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.