ડીસામાં એક ફાઇનાન્સ કંપનીમાંથી વાહન માટે લોન લઈ નાણા ભરપાઈ ના કરતા કંપનીએ કરેલા ચેક રીર્ટન કેસમાં નામદાર કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ ચૂકવવાની રકમ 30.50 લાખ રૂપિયા એક મહિનામાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા કરવાનો હુકમ કર્યો છે.
ડીસાના રાણપુર રોડ પર શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની આવેલી છે. જે કંપની વાહનો પર લોન આપે છે ત્યારે, ધાનેરા તાલુકાના શેરગઢ ધરણોધર ગામના સેંધાભા દુધાજી પટેલે ટાટા એલપીટી ગાડી નંબર GJ 02 Z 2345 માટે લોન લીધી હતી, પંરતુ લોન લીધા બાદ તેની રકમ ભરપાઈના કરતા કંપનીના કર્મચારીઓ દ્વારા ઉઘરાણી કરતા તેમણે બે ચેક આપ્યા હતા. જે ચેક બેન્કમાં નાખતા પૂરતી રકમ ના હોઈ ચેક રીર્ટન થયા હતા.
જેથી કંપનીના લીગલ ઓફિસર કમલેશભાઈ લોધાએ ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રીર્ટનની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યોં હતો. જે કેસ કોર્ટમાં ચાલી હતા અને ફરિયાદીના વકીલ બી.જે. જોષીની ધારદાર રજૂઆત અને પુરાવાઓને ધ્યાને લીધા બાદ કોર્ટના મેજિસ્ટ્રેટ યોગેશ પટેલે આરોપી સેંધાભાઈ દુધાજી પટેલને 138ના ગુન્હામાં તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા કરી છે. સાથે જ ચેકની રકમ 30.50 લાખ ત્રીસ દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે અને જો રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકરી છે.