ડીસામાં રામનગરમાં ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસની ટીમ દ્વારા આરોપીને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો હતો અને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી આરોપીને સબજેલમાં ધકેલાયો છે.
ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસ.ઓ.જી. ની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે વિપુલ ગંગારામ વણોદ નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પૂછપરછ કરતા આ માદક પદાર્થનો જથ્થો આપનાર રાજસ્થાનનો સુરેશ ક્રિષ્નારામ વિશ્નોઇ તેમજ જથ્થો લેનાર ડીસાના સંજય ભેમાજી ઠાકોરનું નામ ખુલ્યું હતું.
પોલીસે આરોપી વિપુલને ડીસા નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ આરોપીને લઈ રાજસ્થાન તપાસ અર્થ થઈ ગઈ હતી અને બે દિવસ તપાસ કર્યા બાદ આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરી તેને સબજેલ ધકેલાયો છે.
જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને અન્ય બે આરોપીઓ પકડાયા બાદ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને ડ્રગ્સનુ મોટું નેટવર્ક પણ પકડાઈ શકે તેવી શક્યતાઓ છે.