ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગરના ઉઘાડ પગા ડોક્ટરો દ્વારા લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની તેમજ પ્રતિબંધિત દવાઓનું પણ વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદોને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આવા તબીબોની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લો રાજ્યનો સૌથી વધુ તાલુકા ધરાવતો તેમજ ભૌગોલિક પરિસ્થિતિએ પણ વિશાળ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે. ત્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી ડિગ્રીધારી ડોક્ટરો ન હોવાથી આવા વિસ્તારોમાં ડિગ્રી વગરના કે ઉઘાડપગા તબીબો રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસર્સના નામે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં બી.એ.એમ.એસ. કે બી.એચ.એમ.એસ.ની ડીગ્રી ધરાવતા ડોક્ટરો પણ એલોપેથીની દવાઓ આપતા હોવાની વારંવારની ફરિયાદો જિલ્લા કક્ષાએ મળી રહી છે.
તેમજ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નશાયુક્ત દવાઓ, કેફીન સીરપ કે ફેન્સીડીન જેવી કેફી દ્રવ્યો ધરાવતી પ્રતિબંધિત કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાતી દવાઓનું વેચાણ પણ ખુલ્લેઆમ બેરોકટોક પણે થતું હોવાની પણ ફરિયાદો થઈ હતી. જેના પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા કક્ષાએ તાલુકા આરોગ્ય અધિકારીઓને તપાસ કરવાનો આદેશ કર્યો છે.
જે અંતર્ગત ડીસામાં પણ બ્લોક હેલ્થ ઓફિસર પી.એચ. ચૌધરીએ 15 મેડિકલ ઓફિસરોને તાત્કાલિક ધોરણે તપાસ કરવાનો હુકમ કર્યો છે. આ 15 મેડીકલ ઓફિસરોની નીચે 100 થી વધુ ગામડાઓ આવેલા છે. જે તમામ ગામડાઓમાં તપાસ કરી જો બોગસ ડોક્ટર અથવા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા કોઈ જણાય તો તેની સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
આ અંગે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી પી.એચ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો દ્વારા પ્રેક્ટિસ કરાવતી હોવાની તેમજ પ્રતિબંધિત દવાઓ આપવામાં આવતી હોવાની ફરિયાદોને પગલે જિલ્લા આરોગ્ય અઘિકારી દ્વારા આદેશ કરાતા તાલુકા કક્ષાએથી તમામ સી.એચ.સી. અને પી.એચ.સી, સેન્ટરોના મેડિકલ ઓફિસરોને તાત્કાલિક તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. પાસમાં કોઈ બોગસ ડોક્ટર જણાય તો તાત્કાલિક તેની સામે ફરિયાદ દાખલ કરવા અથવા બ્લોક હેલ્થ ઓફિસે જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.