દિયોદર તાલુકાના કોટડા નજીક શનિવારે સાંજે ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં સરદારપુરા (ર) ગામના બે યુવકો પૈકી એકનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે બીજાને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારના એકના એક પુત્રના મોતથી અરેરાટી પ્રસરી ગઇ હતી.
દિયોદર તાલુકાના સરદારપુરા (ર) ગામના વિશ્વ અમૃતભાઇ નાયી અને વિવેકભાઇ ગણપતભાઇ નાયી ગામના પ્રભુભાઇ ધર્માજી માળીનું બાઇક નં. જીજે. 08. સી. એચ. 8293 લઇ ઘરકામ માટે શનિવારે દિયોદર ગયા હતા. જ્યાંથી સાંજના સુમારે પરત આવી રહ્યા હતા. ત્યારે વિવેક બાઇક ચલાવતો હતો. દરમિયાન દિયોદર જેડતા રોડ ઉપર કોટડા બસ સ્ટેન્ડ નજીક પાછળથી આવી રહેલા ડમ્પર નં. જીજે. 08. એયુ. 5557ના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.
જેમાં બંને નીચે પટકાયા હતા. અકસ્માતમાં વિવેકના માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે વિશ્વને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રઘુભાઇ ઇશ્વરભાઇ નાયીએ ડમ્પર ચાલક સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગણપતભાઇના પરિવારમાં પત્ની એક પુત્રી વિધાબેન અને પુત્ર વિવેક જન્મયા હતા. દરમિયાન માર્ગ અકસ્માતમાં એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ગણપતભાઇ પણ કેન્સરની બિમારી સામે જજુમી રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.