કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણા છેલ્લા બે વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા તબીબોએ હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર પૈસા ચૂકવતી ન હોવાથી તબીબોને હોસ્પિટલ ચલાવવી તેમજ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ મફતમાં મળી રહે તે માટે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ થકી લોકોને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાયુક્ત સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે. જેમાં કાર્ડધારક કોઈપણ દર્દી સામાન્યથી લઈ કેન્સર, હૃદય રોગ, ન્યુરો, યુરો સહિતની મોટી બીમારી તેમજ ઓપરેશનો માટે સરકાર દ્વારા નિયુક્ત કોઈપણ હોસ્પિટલમાં મફતમાં સારવાર લઈ શકે છે. જે માટે સરકાર જે તે ખાનગી હોસ્પિટલોને ડોક્ટરની કન્સલ્ટિંગ ફી, સર્જરી ખર્ચ, રૂમ ભાડું, દવાઓનો ખર્ચ સહિતના ખર્ચની નક્કી કરેલી રકમ હોસ્પિટલોને ચુકવે છે.

બનાસકાંઠા જીલ્લામાં કુલ 84 જેટલી હોસ્પિટલો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જોડાયેલી છે. જેમાં ડીસામાં પણ 13 હોસ્પિટલો આ યોજના સાથે સંકળાયેલી છે, પરંતુ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી તબીબોને સરકાર દ્વારા આ યોજનાના તબીબો એ મુકેલા બિલોની રકમ ચૂકવવામાં આવી નથી. જેથી તબીબોને હોસ્પિટલો ચલાવવી, સ્ટાફનો પગાર કરવો સહિત અન્ય ખર્ચ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી પડે છે.

આ અંગે તબીબોએ સરકાર સમક્ષ અનેક વખત લેખિત રજૂઆત કરી નાણા જલ્દી ચૂકવવાની માગ કરી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા નાણા ના ચુકવાતા આખરે તબીબોએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જેમાં તારીખ 26 થી 29 સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલના તબીબો આ યોજનાને લાગતી સારવાર બંધ રાખી હડતાળમાં જોડાશે અને ત્યારબાદ પણ જો સરકાર તેમને સમયસર પૈસા ચૂકવી સમસ્યાનું સમાધાન નહીં કરે તો આગામી સમયમાં તેમણે હડતાળ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે PMJAY ડોક્ટર એસોસીએશન બનાસકાંઠાના પ્રમુખ ડૉ.રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લોકોને જે લાભ મળે છે તેમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ગુજરાતના તબીબોના અંદાજીત 300 કરોડ રૂપિયા સરકારે ચુકવ્યા નથી, જેના માટે અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા અમે તમામ તબીબો આગામી 26 થી 29 તારીખ સુધી આ યોજનાનો લાભ લોકોને નહીં આપી શકીએ. જેમાં બનાસકાંઠા જીલ્લાના ડોક્ટરો પણ જોડાવાના છે અને જરૂર પડે તો અમે આગામી સમયમાં હડતાળ કરીશું.