ડીસા તાલુકા પંચાયતમાં કામ માટે આવતા લોકોએ હવે વધુ હેરાન થવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ICDS ની જમીન પર તાલુકા પંચાયતનું બાંધકામ થતુ હોવાની સરકારમાં રજૂઆતને પગલે હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું છે.

ડીસામાં નવી તાલુકા પંચાયત બનાવવા માટે જમીન વિવાદ આમ તો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. પહેલા તાલુકા પંચાયત ટીસીડી ગ્રાઉન્ડમાં બનવા જઈ રહી હતી, પંરતુ સરકાર દ્વારા જમીન ફાળવણીના થતાં જે સ્થળ પર જૂની તાલુકા પંચાયત હતી. ત્યાંજ નવી બનાવવાનું નક્કી કરાયું હતું અને છ હજાર ફૂટમાં કામ શરૂ કરાયું હતું. જેનો નકશો પણ તૈયાર થઈ ગયા બાદ કામ શરૂ કરાયું હતું, પરંતુ હવે તેમાં પણ વિઘ્ન આવ્યું છે. અત્યારે જ્યાં તાલુકા પંચાયત બની રહી છે તેની બાજુમાં જ ICDS ના મકાન માટે જમીન ફાળવી છે. ત્યારે આ ICDS ની ફાળવેલી કેટલીક જમીન પર દબાણ કરી દેતા ICDS ના અધિકારીને ધ્યાને આવતા સરકારમાં રજૂઆત કરતા હાલ પૂરતુ તાલુકા પંચાયતનું કામ બંધ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂની તાલુકા પંચાયત તોડી પાડ્યા બાદ અત્યારે તેના અઘિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ જર્જરિત મકાનોમાં બેસી કામ કરે છે. જેથી કામ અર્થે આવતા રોજના અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે હવે ફરી કામ અટકી જતા લોકોને વધારે હેરાન થવું પડશે. ત્યારે તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓ અને રજૂઆત માટે આવતા લોકોની માંગ છે કે, સરકાર તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવી જલ્દી તાલુકા પંચાયત બિલ્ડિંગ બનાવે તો તેમની રોજની મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે.