ડીસાના ગવાડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અગાઉ થયેલી ફરિયાદ મામલે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. જે અંગે બંને જૂથના લોકોએ સામસામે કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલા અસગરી સોસાયટી ખાતે રહેતો સમીર શેખ સર્વિસ સ્ટેશનનો વ્યવસાય કરે છે. જેઓ તેમના સર્વિસ સ્ટેશને જઈ રહ્યા હતા તે સમયે ચાર શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા અને તેમના પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી સમીરને આંખની બાજુમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેમને સારવાર અર્થે ડીસાને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં સારવાર લીધા બાદ સમીરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમના ભાગીદાર ઈરફાનભાઇ કુરસીએ બે દિવસ અગાઉ ફરિયાદ આપી હતી. જેનું મનદુઃખ રાખી સમીર કુરેશી, ઈબ્રાહીમ કુરેશી, ઈસ્માઈલ કુરેશી અને સહજાદ કુરેશીએ તેમના પણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ છોટાપુરા ગવાડી વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ શેખ તેમની આઇસર ગાડી લઈને હુસેની ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમને રોકી ચાર શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી અપશબ્દો બોલવાની ના પાડી તેઓ તરત જ તેમની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં આ ચારેય શખ્સોએ પાઇપ અને લાકડી વડે તેમની ઓફિસે પહોંચી તેમના પર હુમલો કર્યો હતો અને તેમની આઇસર ગાડીના કાચ પણ તોડી નાખ્યો હતો.

જે મામલે ઇબ્રાહીમ શેખે પણ હુમલો કરનાર શહીદ શેખ, શહાદત શેખ, મુસેફ શેખ અને સમીર શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસે સામ સામે બંને પક્ષના આઠ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.