ડીસામાં મહારાણા પ્રતાપ હાઇસ્કુલ પાસે મહારાણા પ્રતાપ ચોકમાં થોડા સમય અગાઉ જ મુકવામાં આવેલી મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા પર આજે અજાણ્યો યુવક ચઢી જતા તેનો વિડીયો વાઈરલ થતાં લોકોમાં રોશની લાગણી ફેલાઈ છે. રાજપૂત સમાજે આ અંગે તપાસ કરી યુવક સામે પગલાં લેવાની માંગ કરી છે.
ડીસામાં આવેલી 150 વર્ષથી વધુ જૂની પ્રસિદ્ધ એસીડબલ્યુ હાઇસ્કુલનું થોડા સમય અગાઉ નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ રાખવામાં આવ્યું હતું. આ સાથે જ એસસીડબલ્યુ હાઇસ્કુલ ચાર રસ્તાને પણ મહારાણા પ્રતાપ ચોકનું નામાધિકરણ કરાયું હતું. જેથી ડીસાના જાગીરદાર રાજપુત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ચોકમાં તાજેતરમાં જ મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા મૂકી તેનો અનાવરણ કરવામાં આવ્યું હતું.
જે પ્રતિમા પર આજે એક અજાણયો યુવક ઘોડા પર ચઢી જઈ મહારાણા પ્રતાપની પાછળ બેસી ગયો હોય તેવો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેથી આ અંગે યુવકની ટીખળથી લોકોમાં રોષ ફેલાયો હતો. જ્યારે આ અંગે જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આ ટિખલી યુવકની શોધ કરી તેની સામે પગલાં લેવા અંગે તંત્રને જણાવ્યું છે.