બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે સોમવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. શાહે કહ્યું હતું કે જે લોકો પોલિટિક્સમાં દગો કરે છે તેમને પાઠ ભણાવવાની જરૂર છે. શિંદે સરકાર બન્યા પછી શાહ પહેલી વખત મહારાષ્ટ્ર પહોંચ્યા છે.

ભાજપના નેતાઓને સંબોધિત કરતાં શાહે કહ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે, જે આપણી સાથે છે. શિવસેનામાં તૂટ એક વ્યક્તિની લાલચને કારણે જ થઈ છે. સત્તા માટે ઉદ્ધવે વિચારધારા સાથે સમજૂતી કરી લીધી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શાહે મીટિંગમાં પાર્ટી નેતાઓને કહ્યું હતું કે મેં ઉદ્ધવ ઠાકરેને ક્યારેય મુખ્યમંત્રી બનાવવાનો વાયદો નથી કર્યો. અમે બંધ રૂમમાં નહીં, છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છીએ. જો અમે નિવેદન આપ્યું હોત તો શિવસેનાના નેતાઓને જરૂરથી મુખ્યમંત્રી બનાવત મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી ભાજપ અને શિવસેનાએ મળીને લડી હતી. 288 સીટ પર થયેલી ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 55 સીટ મળી હતી. ચૂંટણી પછી શિવસેનાએ અઢી-અઢી વર્ષ માટે CM બનાવવાની માગ રાખી હતી શિવસેનાનું કહેવું હતું કે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ મુદ્દે ચૂંટણી પૂર્વે સહમતી બની હતી. અંતે શિવસેનાની આ માગ પર ભાજપ તૈયાર ન થઈ, એ બાદ શિવસેનાએ કોંગ્રેસ અને NCPની સાથે મળીને સરકાર બનાવી હતી. 

મહારાષ્ટ્રમાં 20 જૂને પહેલી વખત એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 20 ધારાસભ્યે બળવો કરીને સુરત અને પછી ગુવાહાટી ગયા હતા. ધીમે-ધીમે આ ધારાસભ્યોની સંખ્યા વધતી ગઈ અને 39એ પહોંચી ગઈ, એ બાદ ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપી દીધું.

30 જૂને ભાજપના સહયોગથી શિંદેએ મુખ્યમંત્રીપદ તરીકેના શપથ લીધા. હાલમાં 5 અરજીની સાથે શિવસેનાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે. 23 ઓગસ્ટે કોર્ટે આ કેસને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કર્યો હતો