બનાસકાંઠા જીલ્લાના ભાભરના બેડા ત્રણ રસ્તા નજીકથી એલસીબીની ટીમે એક ટ્રકમાં કોલસાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. રાત્રી દરમિયાન ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઈ પોલીસની ચકમો આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફ ભાભર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે, મીઠા ગામ તરફથી એક ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાધનપુર તરફ જનાર છે જે હકિકત આધારે બનાસકાંઠા એલસીબી પોલીસ ભાભર રાધનપુર ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી મીઠા ગામ તરફથી આવતા ટ્રકને રોકાવી તપાસ કરી હતી.
જેમાં મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. દારૂ 1157 જેટલી બોટલો જેની 1 લાખ 38 હજાર 840 રૂપિયા તેમજ લિગ્નાઈટ કોલસો આશરે 20 ટન સહિત કુલ 11 લાખ 98 હજાર 840 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
જોકે, ટ્રકનો ચાલક વાહન મુકીને જ ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક તેમજ ટ્રક માલિક સુનીલ બાબુલાલ બિશ્નોઈ રહે.ચાંપાબેરી બામરલા સેડવા બાડમેર રાજસ્થાન વિરુદ્ધમાં ભાભર પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહીબિશન એક્ટ મુજબની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.