પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો છે.

પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટયાર્ડની G લાઈનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો છે.

નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાખ થઇ ગઇ એમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય અનિકેત ઠાકર વિધાનસભાનું સત્ર છોડી પાલનપુર પહોંચ્યા હતા.

માર્કેટયાર્ડમાં લાગેલી દુકાનોમાં આગ પર કાબૂ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના સાત જેટલા ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગની ઘટનાની જાણ જતાં જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર વરુણ બારણવાલે જણાવ્યું હતું કે, આગ કાબૂમાં આવી ગઇ છે. રાયડો, દિવેલા સહિત બારદાન સળગવાના લીધે હજી થોડી અસર છે. જોકે, સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.

બીજી તરફ આજે વહેલી સવારે વલસાડ કલેક્ટર કચેરી રોડ ઉપર આવેલા સિટી પોલીસ મથક પાછળ અલગ અલગ ગુનાઓમાં જમા કરેલાં વાહનો મૂકેલાં છે. તેની નજીક આવેલા એક કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટનાની જાણ રાહદારીઓએ સિટી પોલીસના જવાનોને કરતા સિટી પોલીસના જવાનોમાં દોડધામ મચી હતી.

આ ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઈટરની ટીમને થતાં વલસાડ ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં અલગ અલગ ગુનામાં ડિટેઇન થયેલાં 2 વાહનો આગની ચપેટમાં આવી જતા બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. કોઈ રાહદારીએ કચરાના ઢગલા પાસે બીડી કે સિગારેટ ફેંકી હોવાથી આગની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન ફાયરની ટીમ અને રાહદારીઓ લગાવી રહ્યા હતા.

તો આજે મોડી રાત્રે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ખડોલી ખાતે આવેલી શિવમ ઇન્ડ્રસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટના બનતા કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની ગંભીરતાને લઈને સેલવાસ ફાયર ફાઈટરની ટીમે આજુબાજુના વિસ્તારના ફાયર ફાઈટરની ટીમની મદદ લઈને ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સેલવાસ ફાયર ઓફીસરે જણાવ્યું હતું.