ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પોલીસ બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડતી હોય છે, પરંતુ હવે દેશી દારૂની હેરાફેરી માટે પણ મોંઘીદાટ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકા પોલીસની ટીમે આસેડા ગામ પાસેથી અકસ્માત સર્જાતા ડ્રાઈવર ગાડી મૂકીને નાસી ગયો હતો. કારમાં તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો હતો.
ડીસા તાલુકાના આસેડા ગામ પાસે પંચવટી કોલ્ડ સ્ટોરેજ સામે રોડ ઉપર એક હોન્ડાની ગાડીએ ટ્રેક્ટર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જ્યો બાદ ગાડીચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં જ ડીસા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ગાડીમાં ચેક કરતા દેશી દારૂ ભરેલા કટ્ટા મળી આવ્યા હતા. જેથી વધુ તપાસ કરતા ગાડીમાંથી 90 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી દારૂ સહિત એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગાડી ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.